જરૂર છે
જરૂર છે
થાક્યો છું પણ ના ઘરની કે ના કબરની જરૂર છે,
જીવનમાં બસ સહજસાજ સબરની જરૂર છે,
ટહુકામાં આખેઆખી વસંત ભરીને બેઠી છે,
કોકિલકંઠી કોયલને ક્યાં કોઈ કદરની જરૂર છે ?
મજધારે આવી અટવાયા છીએ એવા નસીબથી,
દોસ્ત ! એકલવાઈ આ સફરને હમસફરની જરૂર છે,
ચોતરફ ચર્ચાઈ ગયું સૌંદર્ય જે કળીનું ઉપવનમાં,
મધુકરને જઈને પૂછો, સુવાસની ખબરની જરૂર છે ?
લાલિમા પાથરી જાય છે નિત્ય આ સાંજનો સૂરજ,
વિરામ પછી પાંખોના કલરવને ઊગતી સવારની જરૂર છે,
આયખું વીતી રહ્યું છે આ દુઃખોની ઘટમાળમાં નિરંતર,
ઓ ખુદા ! મુજ તરફ તારી રહેમભરી નજરની જરૂર છે.
