ત્યારે વતન સાંભર્યું મને
ત્યારે વતન સાંભર્યું મને
અજનબી થઈ ગયા જ્યારે ચહેરા બધા આ શહેરમાં,
દિલમાં વમળ યાદોના ઊઠ્યા, ત્યારે વતન સાંભર્યું મને,
અતિ ઘણી તાકાત હતી એમના નિઃશબ્દ વારમાં,
કદમ આપ જ ઘર ભણી ઊઠ્યા, ત્યારે વતન સાંભર્યું મને,
તરણાના મોહમાં એક રંગ ઝાકળનો વિસરી ગયા !
સંકેલી આખી ઋતુને ફૂલો ઊઠ્યા, ત્યારે વતન સાંભર્યું મને,
વિશ્વાસનું ખંજર ભોંકી લાજ રાખી દોસ્તોએ દોસ્તીની !
સામસામે સાચના પડદા ઊઠ્યા, ત્યારે વતન સાંભર્યું મને,
જાકારો નથી, પણ આવકારોય નથી એ દ્વારેથી મુજને,
એ તરફથી મૂંગા ઈશારા ઊઠ્યા, ત્યારે વતન સાંભર્યું મને,
સમયના પરબીડીયામાં આવ્યો સંદેશો વતનની ધૂળનો,
અશ્રુથી સ્નેહના ફુવારા ઊઠ્યા, ત્યારે વતન સાંભર્યું મને.
