વિરહ પછીનું મિલન
વિરહ પછીનું મિલન
મુજ તરફથી સુખોના પગલાં પાછા વળી જાય છે.
એ ઇંતજાર આખા આયખાને અધિક પડી જાય છે.
અધૂરપની વાડીમાં પાક્યા છે ફળ ઉદાસીના,
ને હૃદય ચીરતાં અશ્રુઓ ગમોને ગળી જાય છે.
આ હવાઓને કહી દો ડર નથી રહ્યો બદલાવનો,
મોસમ ભલે ન હો' તોય વરસી વાદળી જાય છે.
ઝાંઝર રણઝણે તોય સમજું આગમન આપનું,
અમથું અમથું કરમાં શાને કંગન છળી જાય છે?
તારલિયા છાને આવી કહી ગયા રાત બાકી છે,
પહેલા પરોઢનું ક્યાંક એક સપનું ફળી જાય છે.
આંખડી મારી ફરકીને આપે અંદેશો પ્રિયતમનો,
વિરહ પછીના મિલનનો મોંઘેરો અવસર જડી જાય છે.

