સરદારનું ગીત-૭૮.
સરદારનું ગીત-૭૮.
અનેકમાંથી એક-ર (ઈ.સ. ૧૯૪૭)
મેનન ફરવા લાગ્યા, રાજાઓને મળેલ રે;
ને સરદારનું કામ, સરળ થૈ ગયેલ રે.
જોડાવા હિંદની સાથે, ઘણાં તૈયાર થાય રે;
તેઓનાં મનની બીક, ભાગીને દૂર જાય રે.
રાજ્યો એક પછી એક, હિંદ સાથે ભળેલ રે;
જોડાવા અમુકે તોય, આડોડાઈ કરેલ રે.
એ માંહેનું હતું એક, રાજ્ય ત્રાવણકોર રે;
સ્વતંત્ર ટકવા તેણે, ખૂબ કરેલ જોર રે.
પ્રજા ને સરદારે ત્યાં, આંદોલન કરેલ રે;
એની સામે મહારાજા, જલ્દી ઝૂકી ગયેલ રે.
પછી ભોપાળ-ઈંદોર, સ્વતંત્રને મથેલ રે;
બેટનના કહેવાથી, ભોપાળ સમજેલ રે.
ઈંદોરના નરેશે તો, દિલ્લીને પકડેલ રે;
કુંવરી કૌરની પાસે, દસ્તખત કરેલ રે.
જોધપુર મહારાજ, પાકિસ્તાને ઢળેલ રે;
પડોશી રાજનું માની, હિંદ સાથે ભળેલ રે.
શાંતિથી રજપૂતાના, હિંદે થયું વિલીન રે;
એવી રીતે ઘણાં રાજ્યો, ભળ્યાં ભેદવિહીન રે.
નાગપુર-પડોશીને, સરદાર મળેલ રે;
ત્યાં તેઓ રાજવીઓને, ધમકાવી ગયેલ રે.
રહેવા એકલાં ધારી, રે’શો હિંદ બહાર રે;
કરશે બળવો લોકો, નૈ મળે સહકાર રે.
સાંભળી વાત તેઓની, રાજાઓ સમજેલ રે;
જોડાવા હિંદની સાથે, તૈયાર થૈ ગયેલ રે.
ઓરિસ્સાની જરા ઈચ્છા, હિંદમાં ન રહેલ રે;
કટકની સભા માટે, સરદાર ગયેલ રે.
લોકે ફેંકેલ રાજાને, મદદ નૈ અપાય રે.
રાજાએ સાંભળી વાત, ને ઢીલાઢફ થાય રે.
**
મુસીબતો કરી ઓછી, જોડાણ કરતા હતા;
કોઈ રાજા ગયા માની, ને કોઈને મનાવતા.
(ક્રમશ)
