શિષ્ય સવાયો
શિષ્ય સવાયો
સ્કૂલમાં જ્યારે પહેલો પગ મૂક્યો હતો,
મા નો પાલવ હાથેથી ત્યારે છૂટ્યો હતો,
આંખો વહેતી હતી અનરાધાર વિયોગમાં,
હળવેકથી હાથ મારો ઝાલ્યો હતો...
રડતો હતો હું, ને સાથે રડતી હતી એ પણ,
વિયોગ અમારો પહેલીવાર થયો હતો,
વહેતી મારી આંખોને હળવેકથી જેણે લૂછી'તી,
એ સ્પર્શનો અહેસાસ મને થયો હતો...
મા ની મમતા મળી, ને મળ્યો પિતાનો પ્રેમ,
વિદ્યાના એ મંદિરમાં જ્યાં હું લવાયો હતો,
ભાઈ મળ્યો, બહેન મળી ને મળ્યો પરિવાર,
ક્યારેક અહીંયા હું એકલો આવ્યો હતો...
મારી સાથે રહ્યો સદા, શું એ મારો પડછાયો હતો,
કેમ કરી ઓળખું, એ મારામાં સમાયો હતો,
જીવનનાં તડકા છાંયામાં, રાહ જેણે બતાવી હતી,
એ ગુરુ મારાં ને હું શિષ્ય સવાયો હતો.
