શહેરની મોહમાયા
શહેરની મોહમાયા
પ્રકૃતિનો એક ભાગ બનવું મારે,
વગડામાં પંખીઓની જેમ ચહકવું મારે.
શહેરથી દૂર હરિયાળીમાં,
આઝાદીની ખુલી હવા માણવી મારે,
ઘૂંટાઈ રહ્યો શ્વાસ મારો,
શહેરની ભીડમાં ખોવાઈ ગયો સમય મારો.
મારી જાત ને હું શોધું ભીડમાં,
અસ્તિત્વ મારુ શોધું શહેરમાં.
શોધ્યું જડે નહીં, રળ્યું પૂરું પડે નહીં.
એક સાંધુ ત્યાં તેર તૂટે,
મારા મનની ધીરજ ખૂટે
તોયે મોહમાયા શહેરની ન છૂટે,
શહેરની લીલા ન્યારી,
બસ ટ્રેનમાં ભીડ ભારી
ચાલે નહી દોડે આ જિંદગી,
મરી મરી રોજ જીવે માનવી,
રોજ નવા સ્વપ્ન લે આકાર,
માનવ મૂકે દોટ કરવા સાકાર,
ઘર એક બનાવવા માનવી,
જિંદગી આખી ઝઝૂમે આ શહેરમાં.
રહે મૃદુલ મન બધા વચ્ચે તોએ,
એકલો અટૂલો હું આ શહેરની ભીડમાં.
