શબ્દોની સરગમ
શબ્દોની સરગમ
રીમઝીમ વરસે તો ક્યારેક વરસે ધોધમાર
આભમાં મેઘ મલ્હાર રાગ છેડે બેસુમાર
કવિતા, શાયરી તો ક્યારેક પત્રો જોરદાર,
એમાં લખતી, રચતી મારી કલ્પનાની પ્રીત
સિતાર વાગે એ શબ્દોની સરગમ સંગીત
કાગળ પર કોતરાતા મરકે મનમાં મનમીત
મારું મનગમતું બનતું આજ પ્યારું ગીત,
મુખડું રચાય જાણે અંતરો અલબેલા સૂર
થનગાટ થનગાટ નાચે મારા મનના મયૂર
પનઘટ પનઘટ રાચે પાંદડે અવનીના નુપૂર,
મારા હોઠે આવી મલકાતુ મધુર એ સ્મિત
ગુજરાતી રચનામાં થતી સાહિત્યની જીત
કલમની ધારે ખળખળ વહેતું ઝરણું નિત
મારું મનગમતું બનતું આજ પ્યારું ગીત.
