શબ્દોને પહેરાવું નવો પોશાક
શબ્દોને પહેરાવું નવો પોશાક
શબ્દોને રોજ શણગારું,
શબ્દોને રોજ સંવારું,
પહેરાવું નીત નવો પહેરવેશ,
ક્યારેક રૂપક અલંકાર,
તો ક્યારેક ઉપમા અલંકાર,
તો ક્યારેક ઉતપ્રેક્ષા અલંકાર,
આમ નીત નવા અલંકારોથી સજાવું,
આમ શબ્દોને સોહામણા બનાવું,
ક્યારેક મુગ્ધા કન્યા બનાવું,
તો ક્યારેક અલ્લડ કન્યા,
ક્યારેક નવોઢા બનાવું,
પહેરાવી નીત નવા અલંકાર,
ક્યારેક ઝરણામાં વહાવું,
તો ક્યારેક નદીમાં ડૂબાડું,
ક્યારેક સાગરના મોજા બનાવી,
કિનારાથી મિલન કરાવું,
આમ શબ્દોને નવા નવા વસ્ત્ર પરિધાન કરાવું,
ક્યારેક મધ જેવા મીઠા બનાવું શબ્દો,
તો ક્યારેક કારેલા જેવા કડવા,
ક્યારેક મરચા જેવા તીખા,
તો ક્યારેક નાગ જેવા ડંખીલા,
આમ શબ્દોને રોજ નવો નવો સ્વભાવ અર્પુ,
ક્યારેક આકાશની સેર કરાવું,
ક્યારેક ધરતી પર ઘુમાવું,
ક્યારેક સાત સમંદરની સેર કરાવું,
આમ શબ્દોને દરેક અનુભવ કરાવું,
ક્યારેક સફળતાનાં આકાશમાં લઈ જાવ,
તો ક્યારેક નિષ્ફળતાની ખીણમાં લઈ જાવ,
ક્યારેક અસમંજસના મધદરિયે અટવાય,
આમ શબ્દોને દરેક રંગમાં રંગુ,
ક્યારેક મારી હસીનું કારણ બતાવું,
ક્યારેક મારા અશ્રુઓની આંધી બતાવું,
ક્યારેક પીડાની પોટલી છોડુ,
ક્યારેક હર્ષની હેલી કરું,
ક્યારેક આનંદનો અવસર મનાવું,
ક્યારેક ઉદાસીની આગમાં બાળું,
ક્યારેક સુખની છાંવમાં લઈ જાવ,
ક્યારેક દુઃખનાં દરિયામાં ડૂબાડું,
મારી ભીતર ચાલતી દરેક વાતથી વાકેફ કરું,
આમ શબ્દોને રોજ નવો લીબાસ પહેરાવું,
ક્યારેક શબ્દોને બાંધુ,
તો ક્યારેક શબ્દોને છુટ્ટા મુકું,
જેવી જેની સમજ,
એવો અર્થ કરે,
ક્યારેક કટાર બની વાગે શબ્દો,
ક્યારેક ઘાવ પર મલમ બને શબ્દો,
ક્યારેક તલવારની ધાર બને શબ્દો,
તો ક્યારેક સમાધાન બને શબ્દો,
આમ શબ્દોને રોજ મનગમતા પોશાક પહેરાવું.
