શબ્દોને પહેરાવું,લિબાસ
શબ્દોને પહેરાવું,લિબાસ
માથે ફાળિયું, કેડિયુ, ચોયણી તો કદી કોટ-પેન્ટ ખાસ,
શબ્દોને આમ હું તો પહેરાવું, રોજ નવા લિબાસ.
જગકિરતારને પહેરાવી દઉ દ્વારિકાધીશના વાઘા,
કદી બંસી પકડાવી હાથમાં બાજુમા રાખી દઉ રાધા.
ક્યારેક શબ્દોને રમતા મેલું, જ્યાં મ્હાલવું હોય ત્યા મ્હાલે,
ભલે ને સૌ વહાલભરી નજર ચૂમે એને ગાલે ને ભાલે.
જ્ઞાની ચિંતક તો ક્યારેક રહી જાય શબ્દો અભણ ગમાર,
નભમાં કે ધરા પર તો કદી રાખુ ક્ષિતિજની ધારોધાર.
નવોઢા બનાવું કદીક એને સર્વ અલંકારોથી લાદી લાદી,
તો વળી કદીક રાખુ શબ્દોને, નાર સાવ સીધી ને સાદી.
બોલકી, મૂંગીમંતર તો કદીક બનાવું શબ્દોને નખરાળી નાર,
આંખ રાખું એની અણીયાળી એવી કે વાગે સૌને એની ધાર.
એમ સજાવ્યે આવે ન પાર, શબ્દના આમ રૂપ્ કંઇ કેટલાય ,
લઇ જાય પેલે પાર નૈયાને જો સાચો એક શબ્દ એ સધાય.
