સૌનો વારો સરખો આવે છે
સૌનો વારો સરખો આવે છે


મેર પછીય માળામાં મણકો આવે છે,
સુખ સાથે જ દુઃખનો તડકો આવે છે,
જિંદગીનાં સરવાળા બાદબાકી છે અઘરાં,
ક્યાં કોઈનો જવાબ સરખો આવે છે !
વિધાતાએ લખ્યાં લેખ લલાટે મિથ્યા નવ થાય,
રાજગાદીને સ્થાને ભાગ્યમાં વનડો આવે છે,
પાંચ-પાંચ પતિઓની માનીતી રાણી પાંચાલી,
ને ચીરહરણ વખતે મદદે માધો આવે છે,
લાગણીઓમાં થવા લાગી જ્યાં ગણતરીઓ,
ત્યાં જ મધુર સંબંધમાં કડવો થડકો આવે છે,
મારું-તારું, તારું-મારું રટતાં રહ્યાં જિંદગીભર,
અંતિમ શ્વાસમાં ક્યાં કામનો સગો આવે છે,
માત-તાતે નિભાવી સઘળી ફરજો સંતાનોની,
તોય ભાગ્યમાં વૃદ્ધાશ્રમનો ઓટલો આવે છે,
જીવતેજીવ ન કરે કદર સંબંધોની માનવ,
મર્યા પછી લાશ પર સુગંધી ફૂલો આવે છે,
ન સ્વર્ગ, ન નર્ક, છે સૌ કર્મોની અહીં બલિહારી,
રાજા હો કે રંક, સૌનો વારો સરખો આવે છે.