જાદુગર
જાદુગર
હજારો વર્ષોની
ગુલામીને ઓળંગીને,
રિવાજોની બેડીઓને,
તોડીને,
એક અહેસાસને આલિંગવા
રોજ નીકળું છું,
સૂર્યની સાથે જ...
ઉજ્જડ મરુભૂમિમાં
સાવ કોરી ક્ષિતિજોને
ભરું છું ઈન્દ્રધનુનાં રંગથી !
ભીડેલાં હૈયાનાં દ્વારને
ખોલું છું પ્રેમથી.
ટહૂકામાં ઓગાળું છું
દરેક મૌન રીસને,
પરોવું છું છુટ્ટાં મણકાંઓને
સ્નેહની માળામાં,
હા, હું એક સ્ત્રી,
અર્થાત્
જાદુગર !