મા મારી હજુય ભોળી છે
મા મારી હજુય ભોળી છે


મા મારી હજુયે ભોળી છે,
દુઆઓની એની પાસે ઝોળી છે,
બીમારીમાં કહું, દવા લેવાનું, તો કહે,
ઈશ્વરની રાખ અંગે ચોળી છે !
હંમેશા નમતું રહે એનું પલડું,
મમતા એણે ક્યાં ત્રાજવે તોળી છે,
એક લઈ લેને, એક તો ખવાઈ જશે,
એમ ચારપાંચ રોટલી ઘીમાં ઝબોળી છે,
છે આશિષ માના કાયમ મુજ શીશ,
તેથી, આંગણ મારે સુંદર રંગોળી છે,
બીમારીમાં ઝટ સાજાં કરે સૌને,
એની પાસે એવી જાદુઈ ગોળી છે,
સુખનું સરનામું છે મારી માવડી,
અંકે એનાં ખુશીઓની ટોળી છે,
ઢાંકી દે, સૂરજની અગનને પાલવમાં,
સુખ, શાતા એનાં હૈયે મેં ખોળી છે,
ખાધી છે મારી માએ સવાશેર સૂંઠ,
તેથી જ, મારી છાતી પહોળી છે,
વૃદ્ધાશ્રમમાં વિતાવે અંત સમય,
એ સંતાને મમતા એની રગદોળી છે.