સાગરનો પ્રેમ
સાગરનો પ્રેમ


વાત આવે જો પ્રેમની તો
દરેકના હૈયા હરખાય છે.
માનવ દિલ તો કરે જ પ્રેમ
પ્રકૃતિને પણ પ્રેમ થાય છે.
આડુ અવળુ સીધુ સવળું
જેમ ફાવે તેમ જાય છે.
મન એનું મારતું ઉછાળા
જ્યારે સાગરને પ્રેમ થાય છે.
વાટ નિરખતું કિનારે કોણ?
મળવા આવે અને જાય છે..
આ બધી દોડાદોડીમાં જ
તો ભરતી-ઓટ સર્જાય છે.
અવિરત ચાલતી મુસાફરીનો
એના વદને થાક વરતાય છે
છતાં કિનારે પહોંચીને એ
મનમાં ને મનમાં હરખાય છે.
<
p>
અવર જવર હંફાવે એને
અને મોઢે ફીણા થાય છે.
ખાલી અમથા મોજા ક્યાં
એ તો હૈયે હેત ઊભરાય છે.
ઉતારવાને થાક સઘળો
થોડી જ વાર લંબાય છે.
પ્રિયતમનો ખોળો સમજી
એ રેતી પર પથરાય છે.
થોડી જ ક્ષણોનું મિલન
અને ફરી જુદા થાય છે.
વળી મળવાના વાયદા સાથે
હસતા મુખે રજા મંગાય છે.
પૂછે કોઈ જો અર્થ એનો
આ પ્રેમ કોને કહેવાય છે ?
પ્રેમની તો વ્યાખ્યા ઘણી 'અંજુ'
આવી રીતે પણ પ્રેમ થાય છે.