સાધના
સાધના
નોરતાંમાં સૌ ભક્તો કરે સાધના,
ગાઈને આરતી, સ્તુતિ ને પ્રાર્થના.
ઢોલ, શરણાઇ, તાળી વગાડે બધાં,
નિરનિરાળી સૌનાં મનતણી કામના.
સૌ કરે છે અવાજો તણી આરતી,
હું કરું માત તુજ મૌન આરાધના.
પ્રેમ, આનંદ કેરાં હું ગરબાં રમું,
નવ દિવસ નહિ, કરું રોજ ઉપાસના.
માત અંબે! તું વરસાવજે બસ કૃપા,
મુજ હૃદયમાં વસે નિત્ય સદભાવના.
હે જગતજનની! કરજે અમારી રક્ષા,
તુજ શરણમાં રહેવાની છે ઝંખના.
સંકટો સૌનાં હરજે માઁ અંબે સદા,
સઘળી કરજે તું પૂરી મનોકામના.
