રુકાવટ બને
રુકાવટ બને
મોક્ષની કામના પણ રુકાવટ બને,
બંદગી એક ખાલી બનાવટ બને,
સત્યની પણ ન બળજબરી હોઈ શકે,
સત્ય, બળજબરી થાતાં મિલાવટ બને,
જિંદગી તો છે સુંદર સદાથી અહીં,
જીવતાં આવડે તો ખિલાવટ બને,
ઘર કદી સગવડોથી નથી શોભતું,
લાગણી જો ભળે તો સજાવટ બને,
મન વગર કોઈ જો કામ કરશે સતત,
જિંદગીની બધી ક્ષણ થકાવટ બને,
પ્રેમથી જો કલમ હોય તરબોળ તો,
દિલ ઉપર એની સીધી લિખાવટ બને,
તું ગઝલ પ્રેમની જીવતી જાગતી
સ્પર્શથી ફક્ત મારા, સજાવટ બને.