રસગોઠડી ક્યાં માંડવી
રસગોઠડી ક્યાં માંડવી
રસગોઠડી ક્યાં માંડવી, સૂકાઇ ગઇ છે લાગણી,
સ્પંદન હૃદયનાં ડૂકતાં, કરમાઇ ગઇ છે લાગણી !
વીણા હૃદયની ભર ઉનાળે, થીજવી બેઠું જગત,
પથ્થર બની સૌ જીવતા, તરડાઇ ગઇ છે લાગણી.
ક્રંદન અવરનું સાંભળી પાંપણ કદી ના ભીંજતી,
સ્પર્શી શકે ના ભાવ કો' અભડાઇ ગઇ છે લાગણી.
રાચ્યાં રહે નાચ્યા કરે, રમમાણ રહેતા સૌ સ્વમાં,
વૃત્તિ જટાયું ગઇ ખરી, ભરખાઇ ગઇ છે લાગણી.
આવો અને સૌ આવજો ના ગુંજશે ટ્હુકા ફરી,
સંકલ્પ ધરતા સૌ ઉરે, હરખાઇ ગઇ છે લાગણી.
ચોપાસ ખીલ્યાં લાગણીના છોડ રૂપાળા હવે,
સિંચન થતાં અમરત તણા મલકાઇ ગઇ છે લાગણી.
હળવે રહીને સાદ દેતા, સાંભળે 'શ્રી' જગ બધિર,
ઉરથી હકારાત્મક થતાં, છલકાઇ ગઇ છે લાગણી.
