રોજ નવો જન્મ થાય છે
રોજ નવો જન્મ થાય છે
હું તો એક શ્વાસે મરુંને,
એક શ્વાસે જન્મું,
રોજ નવું મરણને,
રોજ નવો જન્મ,
કોઈના શબ્દોના તીરથી મરું,
તો કોઈનાં સહકારનાં મલમથી ફરી જન્મું,
કોઈની અવગણનાંથી મરું,
તો કોઈનાં પ્રેમથી જીવંત બનું,
હું તો રોજ મરું અને રોજ જન્મું,
ક્યારેક ઉદાસીની આગમાં સળગી ભસ્મ થઈ જાઉં,
કોઈ હાથ ઝાલે મારો તો ફિનિક્સની જેમ
રાખમાંથી ફરી જીવંત થાઉં,
ક્યારેક કોઈ પોતાનું બની આપે નફરતનું ઝેર,
તો કોઈ પારકું આવી આપે અમૃતનો પ્યાલો,
આમ એક પળે મરું,
તો બીજી પળે જીવંત થાઉં છું,
આમ કેટલાય ફેરા એક જ જીવનમાં ફરી લઉં છું,
રોજ મરી લઉં છું,
રોજ જીવી લઉં છું,
આવી રીતે રોજ નવો જન્મ પામી લઉં છું,
દુઃખની પાનખરમાં ખરી જાઉં છું,
સુખની વસંતમાં નવી કૂંપળ બની ફરી જીવી જાઉં છું,
આમ પર્ણ બની જીવનનાં વૃક્ષને શોભાવી જાઉં છું,
જીવન સાગરમાં ભરતી બનું,
તો ક્યારેક ઓટ બની,
ક્યારેક ઊંચા મોજા બની,
કિનારે અથડાઈને,
મારું અસ્તિત્વ ગુમાવી,
ફરી સાગરમાં વિલીન થાઉં છું,
બસ આમ રોજ મરી ને,
રોજ જીવંત થાઉં છું.