રંગભીની મોસમ
રંગભીની મોસમ
ઝરમર વરસાદી સાંજ હું માણી રહી છું,
આજ વરસાદની બુંદોને હું ઝીલી રહી છું.
ઠંડો સ્પર્શ ફોરાનો મને થાય છે એવો હૈયે,
બહાર રંગભીની ભીતર હું ખીલી રહી છું.
વાછટે ભીંજાતી ઓઢણી એવી લહેરાણી,
જાણે લાગ્યું કે હવા સંગ હું ચાલી રહી છું.
આકાશે સપ્તરંગી મેઘધનુષી રંગોની ધારે,
વાદળ ને વીજળી વચ્ચે હું ટહેલી રહી છું.
એ ભીની ભીની માટીની મ્હેંકમાં લથબથ,
સુગંધ શ્ર્વાસે ભરી અંતરથી મ્હેંકી રહી છું.
વરસાદ, સુગંધ, સાંજ ને મારું આ દિલ,
રંગભીની મોસમે વરસી હું ચ્હેકી રહી છું.
ઝરમરે હું ભીંજાઉ ને તું મારામાં અનરાધાર,
ભર ચોમાસે તરબતર, હા હું બ્હેકી રહી છું.

