રિવાજથી ઘાયલ
રિવાજથી ઘાયલ

જૂના વિચારથી જન્મેલાં રિવાજોમાં ફસાયો છું,
એજ લાગે છે કારણ કે હું કેટલાય દુઃખોથી પીડાયો છું...
નિત નિત પ્રીતની નવીન કળીઓ હિંમત કરે ખીલવાની,
નવીન ખીલતાં વિચારોથી જાણે હું અકળાયો છું...
એજ લાગે છે કારણ કે હું કેટલાય દુઃખોથી પીડાયો છું...
શાને દીકરી ને ડર રાખવાનો ? વ્રત કર્યે શું પ્રભુ મળવાનો ?
દીકરા દીકરીનો ભેદ રાખવાનો એમાં હું ભરમાયો છું...
એજ લાગે છે કારણ કે હું કેટલાય દુઃખોથી પીડાયો છું...
કંઈક વિધિને નિષેધ ઘણાં હોય, ઘરમાં સવાલ નહીં કરવાનો !
અકારણ એ બધું અનુસરતા જાણે હું મૂંઝાયો છું...
એજ લાગે છે કારણ કે હું કેટલાય દુઃખોથી પીડાયો છું...
રિવાજો નામે છેતરાય - છેતરાયને ભીતરથી અથડાયો છું,
દર્પણમાં જો મુખ જોવું તો જાણે પળેપળ હું છળાયો છું...
એજ લાગે છે કારણ કે હું કેટલાય દુઃખોથી પીડાયો છું...
સાચા જુઠ્ઠાંના મતભેદો પોષી જાણે સ્વયંથી જ ઘવાયો છું,
અંતે બધી જંજાળ છોડી હું 'બંદગી' બની ગવાયો છું...
એજ લાગે છે કારણ કે હું કેટલાય દુઃખોથી પીડાયો છું.