રે સજનવા
રે સજનવા
રે સજનવા, આ સખી પૂછે, સ્મિત દઇ હળવું,
સાંજ ઢળ્યે, કહે સખા ક્યાં આપણે મળવું.
ભરવા મુજ શ્વાસ શ્વાસમાં ઉચ્છવાસની મહેંક,
જગાવવા મુજ દિલમાં, તારા પ્રેમની અહાલેક,
આ સૂરજનું થઇ જાય નહી એમ બસ ઢળવું,
સાંજ ઢળ્યે, કહે સખા ક્યાં આપણે મળવું.
લાવજે મુજ કાજ તું બંસીના સૂરની સૌગાદ,
હું ય મળીશ સજન તને મુજમાંથી થઇ બાદ,
મારે સાંધ્ય રંગોમાં તારી સાથ જો ઓગળવું,
સાંજ ઢળ્યે, કહે સખા ક્યાં આપણે મળવું.
આવજે તું ગીતાના અઢારે અધ્યાય થઇને,
મળજે મને પણ ફક્ત પ્રેમનો પર્યાય થઇને,
તને મળી ફરી મારે હવે પાછા નથી વળવું,
સાંજ ઢળ્યે, કહે સખા ક્યાં આપણે મળવું.
મારી પાસ હશે આ આયખા આખાની થકાન,
દૂર થઇ જશે સજન જોઇ તારું એક મુસ્કાન,
શ્યામ આ જ્યોતને સૂરજ થઇને ઝળહળવું,
સાંજ ઢળ્યે, કહે સખા ક્યાં આપણે મળવું.
(‘શ્યામ રંગરેજા’ કાવ્યસંગ્રહમાંથી)