'રાખજો બચપણ ઉરે'
'રાખજો બચપણ ઉરે'
બાળપણ છે દેણગી ઈશની અમૂલખ જાણજો સૌ,
આવતી વાર્ધક્ય વેળા, શુભ સમય છે ભાળજો સૌ,
ગઈ યુવાની કામ કરતાં, ના મળી નવરાશ મનવા,
પ્રાપ્તિ કેરી લાહ્યમાં આ જિંદગી ગઈ જાણજો સૌ,
ગઈ યુવાની, શક્તિ ખૂટી, પીડતું વાર્ધક્ય આજે,
રાખજો બચપણ ઉરે ને મોજ માની ચાલજો સૌ,
દીકરાના દીકરા ને દોહિત્ર સંગાથે રમી લઈ,
દઈ ઠહાકા ખૂબ હસજો, નેહ નોખો બાંધજો સૌ,
જીવતર રૂડું થશે ને થાય ગણના પણ ગૃહ મહીં,
તાપ તડકા તો ગયાં એ ખ્યાલ કરતા રાચજો સૌ.
