રાખડી
રાખડી
ભાઈનાં એ હાથ પર સોહાય કેવી રાખડી !
સ્નેહ જોઈ બેનનો મલકાય કેવી રાખડી !
રંગબેરંગી સજી શણગાર બંધાતી સદા,
લાગણીનાં તાંતણે ગૂંથાય કેવી રાખડી !
ભાઈના ભાલે તિલક ને કંકુ ચોખા સાથમાં,
સ્નેહના એ નીરથી છલકાય કેવી રાખડી !
રાત દિન તો બેન કરતી રોજ મંગલ કામના,
ભાઈનું શુભ ઈચ્છતી હરખાય કેવી રાખડી !
ભાઈ વિરપસલી અનોખી બેનને આપે ઘણી,
મોલ જેના ના કદી અંકાય, કેવી રાખડી !
બેન લે ઓવારણાં જ્યાં હેતથી ભાઈ તણાં,
વ્હાલના વરસાદથી ભીંજાય કેવી રાખડી !
સાંભળે જ્યારે ખમા મારા વિરાને વ્હાલથી,
પ્રેમના એ "ગીત"થી ગૂંજાય કેવી રાખડી !
