પ્રથમ પ્રેમ
પ્રથમ પ્રેમ
એક ફોટો જોઈને પાંપણો,
આજે પણ ઢળી જાય છે,
ફોટાનુ નામ પ્રથમ પ્રેમ છે.
એક સાંજે એના પર પ્રેમ આવ્યો,
ને હવે દરેક સાંજ પ્રેમાળ છે,
સાંજનુ નામ પ્રથમ પ્રેમ છે.
એક અવાજના ભણકાર,
હજુ પણ ખુશી આપે છે,
અવાજનુ નામ પ્રથમ પ્રેમ છે.
એક વેદના સાથ છૂટ્યાની,
મનમાં જ કણસતી રહે છે,
વેદનાનુ નામ પ્રથમ પ્રેમ છે.
એક રાત્રે એણે મને જગાડી,
ને પછી જીવન જાગરણ છે,
રાતનુ નામ પ્રથમ પ્રેમ છે.
એક અફસોસ જુદાઈનો,
શ્વાસે શ્વાસે સાંભરે છે,
અફસોસનુ નામ પ્રથમ પ્રેમ છે.
એક સાથ ન રહ્યો એનો,
ને મને મારો ય સાથ ન રહ્યો,
સાથનુ નામ પ્રથમ પ્રેમ છે.
એક માણસનો વ્હેમ,
જિંદગીને જીવંત રાખે છે,
માણસનુ નામ પ્રથમ પ્રેમ છે.