અણસાર
અણસાર


જેવી હું મૃત્યુ પામીશ
આત્મા બની
ભટકતા ભટકતા એમના શહેર
પહોંચી જઈશ
એમની શેરીના નાકે રહીશ
એ સવારે ઓફિસ જશે
સાંજે પાછા વળશે
હું રસ્તામાં વચ્ચે ઊભી રહીશ
એ મારી બાજુમાંથી પસાર થશે
ત્યારે મારી અંદર
હ્રદય તો નહીં હોય પણ
મારો આત્મા ધડકશે
ક્યારેક એમના ઘર સુધી પણ જઈશ
ફળિયામાં એમના ઘરની દિવાલને
ટેકો આપીને બેસી રહીશ
અંદર ઘરમાંથી એમનોબોલવાનો,
હસવાનો અવાજ આવશે
ને હું આંખો બંધ કરીને
જ્યારે પ્રથમવાર
એમને સાંભળ્યા હતા
બસ એમ જ
એમને સાંભળીશ
ને ત્યારે યાદ આવતા જ મને અમારી
કદાચ એકાદ ડૂસકું લેવાય જશે
પણ હમેશાની જેમ
એમને અણસારય્ નહીં આવે
જેવી હું મૃત્યુ પામી
આત્મા બની
ભટકતા ભટકતા એમના શહેર
પહોંચી જઈશ.