પ્રણયની વાત
પ્રણયની વાત
તું આવે તો આજ પ્રણયની વાત કરવી છે,
લાગણીથી તરબતર હૃદયની વાત કરવી છે,
હાથ પકડી તારી આંખોમાં ખોવાઈ જાવ અને,
એ પળોમાં થંભી જતા સમયની વાત કરવી છે,
તારી ગરમ આગોશમાં જો સમાવી લે તું મને,
તો રોમ રોમમાં ઊઠતા પ્રલયની વાત કરવી છે,
એકમેકમાં ઓગળી જાય અસ્તિત્વ એવું કે,
તેમાંથી ઊઠતા તેજ વલયની વાત કરવી છે,
ના તું સમજી શકીશ ના હું કહી શકીશ શબ્દોમાં,
ખામોશ સ્પર્શ વડે પ્રેમના રહસ્યની વાત કરવી છે,
ના ગંતવ્યની પરવા છે, ના કોઈના મંતવ્યની,
ભટકાવમાં છુપાયેલા લક્ષ્યની વાત કરવી છે,
લાગણીઓના ઊઠતા પૂરને રોકશો નહીં હવે,
એમાંથી રચાતી ગઝલોના ઉદયની વાત કરવી છે.

