પ્રિયતમનું સામૈયું
પ્રિયતમનું સામૈયું
વાદળોની ગર્જનામાં,
વરસતા આ વરસાદમાં,
તારા પ્રેમના અમૃતનાં
ઘૂંટડા પીવા છે મારે,
લહેરાઈ રહેલ સમીરમાં,
ચમકી રહેલ વીજળીમાં,
તારા દિલ ભીતરમાં વસીને,
પ્રેમનો તાલ મેળવવો છે મારે,
ક્યાં છૂપાયો છો તું વાલમ,
પોકારૂં છું તને હું હરદમ,
ખીલેલી સાવનની ઘટામાં,
મધુર મિલન માણવું છે મારે,
સુંદર સોનેરી આ સંધ્યામાં,
મેઘધનુષના સપ્ત રંગે,
નભમાં ઊડતાં પક્ષીઓ સંગે,
પ્રેમ તરાના ગાવા છે મારે,
વહેલો આવજે વાલમ "મુરલી",
વાટ હું જોઈ રહી છું તારી,
પ્રેમના આંગણે આવકારીને,
સામૈયું તારૂં કરવું છે મારે.

