પરીબાઈની પાંખે
પરીબાઈની પાંખે
રમતો ભમતો નાનો બાબો,
આંખે આવી નિંદરડી,
ઊંઘમાં સર્યો, પરી દેખાણી,
નાની-નાની નાજુકડી,
ગીતો ગાતી થન ગન નાચે,
રણ ઝણ રણકે ઝાંઝરડી,
પરીબાઈની પાંખે બેસી,
જોતો દુનિયા રૂપકડી,
દરિયો ડુંગર બાબો જોતો,
હરખે એની આંખલડી,
વાયુ સંગાથે ઊડે પરી,
ફર ફર ફરકે ચૂંદલડી,
નીંદર ઊડી, બાબો જાગ્યો,
પરીની કરતો વાતલડી,
બાબાની વાતે મમ્મી હરખે,
ગજ ગજ ફૂલે, છાતલડી,
જઈ બેઠો દાદીનાં ખોળે,
દોહી આવું, ગાવલડી,
દડ બડ દોડ્યો, દાદી પાસે,
મલ મલ મલકે માવલડી.
