પ્રદૂષણ નામનો દિકરો
પ્રદૂષણ નામનો દિકરો
આ ધરતી પર એક દિકરો જન્મ્યો છે :
સાવ સાવકો
અળખામણો
અડિયલ
નફ્ફટ
નપાવટ
જિદ્દી
બોજારૂપ
દેખતો છતાંં અંધ
ઓજહીન
સાવ બેકાર
બેેેફિકર.
પણ
એ નભે જાય છે:
માનવીના સ્વાર્થ માટે
વૈભવી લાલસાના મોહ માટે
સુખ- સગવડની ઘેલછા માટે
આડંબર- દેખાડા માટે
ઓછી મહેનતે સંપન્ન થવા
દુનિયાના ખૂણે ખૂણે ઊડાઊડ કરવા માટે.
એટલે
એ અળખામણો હોવા છતાંયે
માણસને ખૂબ વહ
ાલો છે
એને લાડ લડાવે છે
પોરસ ચડાવે છે.
ને
એ ફાટીને સાવ ધૂૂૂમાડે ગયો છે.
કોઈનાથી ડરતો નથી
સામી છાતીએ ઘૂરકિયાં કરે છે
અટ્ટહાસ્ય કરે છે
પડકારા ફેંંકે છે
ગળું પકડીને દબાવે છે.
પણ
નિ:સહાય છે માણસ.
કારણ?
માણસને જોઈએ છે:
ખૂબ ખૂબ ધન- સંપત્તિ-સત્તા-વિસ્તારોનું પ્રભુત્વ,
બીજાંંને પછાડવાનો આનંદ.
એટલે
પ્રદૂષણ નામનો દિકરો વધ્યા જ કરે છે,
વધ્યા જ કરે છે!