પંખીઓએ ઉજવી હોળી
પંખીઓએ ઉજવી હોળી
જંગલમાં આજ પંખીઓએ હોળીની કરી તૈયારી
પોપટભઈ તો પીપળાનાં ઝાડે લઈને બેઠો પિચકારી,
ખડમોરડીએ તો ખજૂરની
તળાવ કાંઠે દુકાન ખોલી
શીમળાનાં ઝાડ પર વેચવા
ધાણી લઈને બેઠી છે હોલી,
લક્કડખોદ છાણાને લાકડાની લઈને આવ્યો ભારી
જંગલમાં આજ પંખીઓએ હોળીની કરી તૈયારી,
કોયલ, કબૂતરને કાળિયોકોશી
કેસૂડાનાં લાલ ફૂલ લાવ્યાં
મોર, ચકલી, પોપટ, કાબરને
તેતર હોળી રમવા આવ્યાં,
પંખીઓની જંગલમાં હર્ષની સંભાળાઈ કિકિયારી
જંગલમાં આજ પંખીઓએ હોળીની કરી તૈયારી,
સમડી, સુગરી ને પપૈયાએ
સળગાવી જંગલમાં હોળી
ચાતક, દરજીડોને બૂલબૂલ
ભરી લાવ્યા હાયડાની ઝોળી,
કાગડો બોલ્યો માનવથી પંખીઓની જાત છે સારી
જંગલમાં આજ પંખીઓએ હોળીની કરી તૈયારી !
