યાદો બાળપણને નામ..
યાદો બાળપણને નામ..


આજે ફરી થોડું જીવી લઈએ,
ચાલ ને બે ઘડી રમત રમી લઈએ,
રમતા રમતા બાળક બનીને,
ભર્યું મન હળવું કરી લઈએ,
જોજનો દૂરનું અંતર છે તોય,
આજ યાદોથી પેટ ભરી લઈએ,
ગડબડ વિના દાવપેચ લઈ,
નાના કીકલા જેમ ઝૂમી લઈએ,
છુપાછુપી કરી પકડાયેલને,
આંખે જાડો પાટો બાંધી લઈએ,
હજુય ચાંદામામામાં બકરી પાસે,
વસે ડોશી એજ ધારી લઈએ,
સુઇજા અંધારાની મા આવે હો રાતે,
ચાલ માની એ વાત માની લઈએ,
વાગ્યા પર એક ફૂંકે મટી જતું,
એ મલમ ફરી ગોતી લઈએ,
નાની નાની વાતોમાં હર્ષ ઉમેરી,
મિજબાની નાનકડી ગોઠવી લઈએ,
તું લાવ ટામેટા ને મારા ભાગે મમરા,
આજ ડુંગળી વગર કામ ચલાવી લઈએ,
આજ બાળકને પણ પાટીપેન પકડાવી,
ખુદના વંશમાં અંશ આપણો જીવી લઈએ,
આજે ફરી થોડું જીવી લઈએ,
ચાલને બે ઘડી રમત રમી લઈએ.