પલળું છું
પલળું છું
આ વરસાદમાં તમોને એમ કે હું તો ખુશ થઈ પલળું છું,
મારી ભીતર જોઈ શકો તો જુઓ, હું દુઃખી થઈ બળુ છું !
એક હૂંફ ભરી આલ્હાદકતા વીંટળાઈ વળી મુજને,
મોહબ્બતની બરબાદીમાં પણ આબાદ થઈ ને ફરૂ છું !
અજ્ઞાન અને આડંબરની છત્રી ને રેઇનકોટ ફેંકી દે,
હું પણ મારા જન્મોથી કોરા કટ્ટ આવરણને ફેંકુ છું !
આ ભીની ભીની પલકો તળે વરસતા વરસાદમાં જો,
સંસ્મરણોના ખાબોચિયામાં એકલો છબછબિયાં કરૂં છું !
હવે વ્હાલમના વરસાદની એક જ વાછટ માટે,
આ ચોમાસે તારા સ્નેહનાં સહવાસ માટે ટળવળું છું !
એક "પરમ" વાદળ આંસુઓનું પાંપણની પાછળ બંધાયું,
હવે "પાગલ" વરસાદ થઈને અનરાધાર વરસુ છું !

