ફૂલોની રસમ
ફૂલોની રસમ
જગમાં ફૂલોની છે અનોખી રસમ,
હસે ને હસાવે, હસે ને હસાવે,
દૂર કરે ગમ, જગમાં..
ફૂલોની દુનિયા છે ભારે બહુરંગી,
એવાં મળી જાય, જાણે સુખ-દુ:ખના સંગી,
વાયુને મહેકાવે, વાયુને મહેકાવે,
છોડે એ ફોરમ, જગમાં..
ફૂલોની ફૂલવાડીનો અનોખો પરિવાર,
આનંદમાં લહેરાતાં, દુ:ખ ન લગાર,
મસ્તીમાં રચાવે, મસ્તીમાં રચાવે,
નાચે છમછમ, જગમાં..
મધમાખી-કીટકોની મજાની બજાર,
હસી-ખુશી ફેલાવતાં પ્રેમ એ અપાર,
કામણ ફેલાવે, કામણ ફેલાવે,
ચમકે ચમ-ચમ, જગમાં..
ફૂલોની દુનિયામાં કરો જો નજર,
તેમાં ડૂબો તો થાય નશાની અસર,
રંગોથી સજાવે, રંગોથી સજાવે,
દુનિયા હરદમ, જગમાં..
