ફાગણનાં ફોરાની જેમ
ફાગણનાં ફોરાની જેમ
કોઈ ફાગણનાં ફોરાંની જેમ-
તમે મળવા નૈ આવો મને કેમ ?
કોઈ ફાગણના ફોરાંની જેમ....
ઘૂઘવતા દરિયાની માંહ્ય એક નાવડી ને નાવડીમાં બેઠા છે સપના...
તમે દરિયાના મોજા થઈ ઊછળો છો કેમ ?
કોઈ ફાગણનાં ફોરાંની જેમ....
રેતીના તટ પર પડતા કઈ પગલાં ને પગલાંમાં સૂતા છે સપના..
તમે પગરવમાં મોતીડાં શોધો છો કેમ ?
કોઈ ફાગણનાં ફોરાંની જેમ....
વ્હાલભર્યાં ગાલ ઉપર પડતા ખાબોચિયા ને ખાબોચિયે છલકાતા નીર..
તમે છલકાતા નીર સાથે વહી આવો છો કેમ ?
કોઈ ફાગણના ફોરાંની જેમ.