પપ્પા કહું કે ડેડી ?
પપ્પા કહું કે ડેડી ?
બાપુજી કહું ? પપ્પા કહું ? કે કહું પ્યારથી ડેડી !
તમે જ મારા પગલે-પગલે બની જાઓ છે કેડી,
ગર્વભેર હું ચાલું તેથી આપ ઘસાતા જાઓ,
માણસને જેમ ઊંચે રાખે છે 'ચપ્પલની એડી',
સાત સૂરો ને લય-તાલમાં ઝૂમી રહ્યો છું આજે..
તમે જ આવી, મારા આ જીવનની સરગમ છેડી,
જ્યાં હું બેસું નિરાંતે, લઈ મૂંઝવણ-દર્દો-આશા
તમે જ મારી એવી કોઈ ભવ્ય ભાતની મેડી,
લીલા-લીલા ખેતર વચ્ચે હું મ્હાલું બસ તેથી,
તમે રહ્યા છો રાત-દિવસ આ સૂકી ધરતી ખેડી.