પાંખ બનજો આંખ બનજો
પાંખ બનજો આંખ બનજો
સાજ ને શણગાર ઘરનો, દીકરી સૌ જાણજો,
આશનો અજવાસ રૂડો, દીકરી સૌ જાણજો,
જન્મ દઈને જાળવી, કરજો જતન અદકા સદા,
ઉર તણો ધબકાર મીઠો, દીકરી સૌ જાણજો,
સ્નેહનું વરદાન છે તનયા ! છતાં ધુત્કાર કાં ?
મુખ તણો મલકાટ શીળો, દીકરી સૌ જાણજો,
પાંખ બનજો આંખ બનજો, આભને એ માપશે,
સુખ તણો શ્રૃંગાર કાયમ, દીકરી સૌ જાણજો,
ભેદની આ ભીંત પાડી, હક્ક દો આણી હરખ !
રણ તણો લલકાર કાયમ દીકરી સૌ જાણજો,
પોંખજો 'શ્રી' પ્રીતિ સાથે, મારવી ના કૂખમાં,
રસ ઝરે રસધાર થઈને, દીકરી સૌ જાણજો.
