પાગલ તોફાન
પાગલ તોફાન


અજાણ સંબંધોમાં ક્યાંક હજી ધબકી રહી છે ઓળખાણ,
તૂટતા રિવાજો વચ્ચેય ક્યાંક હજી જીવી રહ્યા છે સંસ્કાર !!
કહો કોણે જકડી રાખી છે અહીં પાંખો તમારી જમીન પર,
બળ વિશ્વાસનું ભેગું તો કરો, જુવો બોલાવી રહ્યું છે આસમાન !!
સ્થિતિ ક્યાં રહી છે સ્થિર કદી, વીતી જશે આ સમય પણ,
ને જર્જરિત હોંસલાઓ વચ્ચે પણ જીવી રહ્યા છે અરમાન !!
કોણ કહે છે મરી પરવારી છે સજ્જનતા આ સંસારમાં,
અપમાનોના વમળ વચ્ચે હજી પણ જીવી રહ્યું છે સન્માન !!
મંદિરમાં આરતી ને મસ્જિદમાં અઝાન રૂપે જીવે છે શ્રદ્ધા,
દિલની દીવાલો વચ્ચે પણ ટકી ગયું છે લાગણીનું મકાન !!
એ ક્યારે, ક્યાં ને કયા પરિવેશમાં પધારે, કોને ખબર?,
અહીં શૈતાનો વચ્ચે હજી પણ ક્યાંક જીવી રહ્યો છે ભગવાન !!
કોણ કહે છે દુનિયા આખી ભરી છે કાયમ બેઈમાનોથી,
અન્યાય હજારો સહન કરીને પણ હજી જીવે છે ઈમાન !!
ન અવગણો કદી પણ તમે સ્મશાનવત "પરમ" શાંતિની,
સન્નાટાના કેન્દ્રમાં હજી પણ જીવી રહ્યું છે "પાગલ" તોફાન !!