ઓળીપો
ઓળીપો
ગેસ સગડી પ્રાયમસ હજી હતાં સ્વપ્નમાં
ઘેર ઘેર હતાં માટીનાં સળગતાં ચૂલા,
કઢી ખીચડી ઉભરાતાં ચૂલાની પાળે
ગાર માટીનો ઓળીપો કરી બા ચૂલો પંપાળે,
લટકતાં આડશર દેશી નળિયાં નીચે
હેઠે ત્રાંસી બાંગી દીવાલો કહેવાતી પછીતો,
પછી તો પછીતોમાં પડી જાય ગાબડાં
હાથે ગાર કરી બા પૂરે ભીંતનાં ચાંદાં,
ઓસરીમાં ના હોય સિમેન્ટ કે લાદી
માટી ને છાણ લીંપી ઓછી કરે બરબાદી,
ગામમાં થાય ચોમાસુ પૂરું થયે ધમધમાટ
ગધેડાં કુંભારને કહે આવતી લાગે છે દિવાળી,
પીળી ને ધોળી માટી કરે નિંભાડે ઢગલો
હળવે હાથે હેતે બા કરે ઓરીપે વંડી બગલો,
ઘેર ઘેર હતાં માટીનાં સળગતાં ચૂલા
ચૂલાનું રૂપ ખીલવતો ધોળી માટીનો ઓળીપો.