નવો ઉત્સવ
નવો ઉત્સવ
આ તરફ તો નવો કોઈ ઉત્સવ હતો,
પ્રિય આગમન સમો કોઈ વૈભવ હતો.
એમની હાજરીમાં શબ્દો શોધતા,
એમના મૌન તણો કોઈ કલરવ હતો.
પ્રેમના પંથ પર એકલા ચાલતાં,
એમની ચાલનો કોઈ પગરવ હતો.
એમનો સાથ કે હાથ જો છૂટતા,
પંડનો સાથ તો જેમ નીરવ હતો.
વર્તમાન કાળમાં ભાવિને ઝંખતા,
શું ખબર કાળ તો કોઈ ભૈરવ હતો.
