ના રંગોતો શ્યામજીના સમ…રમેશ પટેલ(આકાશદીપ)
ઓલો ખીલ્યો છે કેસૂડો બે કદમ
ના રંગોતો શ્યામજીના સમ
કે હોળી મારે ખેલવી છે
લઈ ઉમંગની રે ઝોળી
આવી ફાગણિયા ટોળી
ના વગાડો જો ઢોલ તો શ્યામજીના સમ
કે હોળી મારે ખેલવી છે
શીરે કેસરિયા છોગા
વ્હાલું કેડિયું ને પાવા
ના ઊડાડો જો ગુલાલ તો શ્યામજીના સમ
કે હોળી મારે ખેલવી છે
લીલા વગડાની વાટું
ધાણી ખજૂરની જાતું
ના નાચો જો સંગ તો શ્યામજીના સમ
કે હોળી મારે ખેલવી છે
શોભે નવોઢાં રૂપાળાં
જાણે પૂનમનાં અજવાળાં
ના ગીત ગાઓ જો મધુરાં તો શ્યામજીના સમ
કે હોળી મારે ખેલવી છે
ઓલા આવજો પેલા આવજો
સામ સામે ભેરુ આવજો
ના રંગો તો વાલમજી શ્યામજીના સમ
કે હોળી મારે ખેલવી છે