મનગમતો મોગરો
મનગમતો મોગરો
નયનમાં નેહ ને આંજી સ્નેહે સુગંધી ચહેરો ચમકાવી, ઝરણાની જેમ સ્મિતને ખડખડ વહેવડાવી,
સૂરજની પહેલા જગાવતી મારા મનગમતા મોગરાની સુગંધ,
અજવાળા તારા હેતના હૈયે ભરી પ્રીતના સૂર રેલાવતી મારા મનગમતા મોગરાની સુગંધ,
સુગંધિત નવપલ્લીત સ્પર્શ તારો કોમળ ને હૂંફાળો મારા વદનને જ્યારે સ્પર્શતો,
સુગંધી મોગરો લાગે રૂંવે રૂંવે છે મઘમઘતો,
મીઠો લહેકો મને જ્યારે તારો બોલાવતો,
કાન પણ હરખાય ને સ્મિત ડોલાવતો,
તારા હૂંફાળા પ્રેમથી છલકતો ચા નો એ કપ,
તાજગી આપે છે મને છલોછલ એ તારું તપ,
ઝાંઝરનો રણકાર મારા કાનને છે ગમતો,
તું છે મારા મનનો મોગરો મનગમતો,
તારા પ્રેમની સુગંધ ને સદાય હૈયૈ છે વરતી,
બપોરે ટિફિનમાં સ્વાદ ને સુગંધ બની મળતી,
જાણે સ્મિતરસ એમાં જ તું પ્રેમનો છે મેળવતી,
સાંજે ચરણ મારા તુજ સમીપ આવવા ઝઝુમતા,
થાપટ તારી મળે તન મન આનંદ અનુભવતા,
હે પ્રિય પત્ની ! એક તું જ છે મારા મનગમતા મોગરો,
મારા જીવનને સુગંધે રોજ એ મ્હોરતો મારો મનગમતો મોગરો.

