મારી જનની
મારી જનની
મારી માવલડી પ્રેમની ધાર,
પ્રભુ! તેં કીધો કેવો અનંત ઉપકાર,
વહેતી રહેતી અવિરત એની વાત્સલ્યધારા,
ધનધન્ય જનની કેરો અવતાર.
વ્હાલ એની આંખોમાં સદા ઉભરાતું,
હેત જાણે એના આચરણનો જ આવિષ્કાર,
ને કેમ કરી જાણી જાય એ પળ-પળની ભાવના!
ધનધન્ય જનની કેરો અવતાર.
'દિ-રાત દોડે આમથી તેમ સૌના કાજ,
તોયે થાક ના દીસતો એના મૂખે મારા રાજ,
ઘસાતી માત્ર કાયા ના ઘસી નાખતી હદયની તાકાત,
ધનધન્ય જનની કેરો અવતાર.
પ્રાણ એના સમાતા અમ સંતાનની ખુશીઓમાં,
ને પક્ષપાતીએ બની જતી હિત ખાતર,
ખુદના માટે નહીં ,જણતર માટે નિત કરતી પ્રાર્થના,
ધનધન્ય જનની કેરો અવતાર.
સત્ય કહે છે કહેનાર ઓ સર્જનહાર!
તું પહોંચી ના શકે તેથી જનની તેં બનાવી,
પ્રેમ, લાગણી, હૂંફ, ક્ષમા, મમતા સમા ગુણ આપી અનુકંપા અપાર,
ધનધન્ય જનની કેરો અવતાર.