હોળી
હોળી


સંધ્યાટાણે ગામ પાદરે ભેગું બાળ,જુવાનને જરઠ
ના સમાતો અતિ છલકાતો હર ચહેરા પર હરખ.
થડ ખજૂરીના, સૂકા ઘાસને, લાકડાં વળી છાણા,
શંકુ ધાટ ધરીને ઉભા હોળીકાના તાણાવાણા.
ગોળાકાર ચંદ્ર ચમકયો આભમાં ચાંદની સંગાથ,
દીધી ચિનગારી એકને સળગી અનેક જ્વાળા.
ચિચિયારી પાડી બાળ નાનેરું નાચતું બહુ હોંશે
ગીત ગજવતી પૂજાથાળ સંગ નારીઓ ને બાળા.
નીર ધરે તાંબાના કળશે, હોમે ચોખા ને શ્રીફળ
ફેરા સાત ફરતાં-ફરતાં જન હોમતા દુર્ગુણ કાળાં.
અબીલ, ગુલાલ, કંકુ, અક્ષત ને ચડાવીને તે ફૂલડાં,
દીપ-કપૂરે કરતાં આરતી સ્મરતાં સહુ રખવાળાં
પાય પડી સહુ પાર્થે અજવાળો અંતર અગ્નિદેવ,
રક્ષ્યો પ્રહલાદ જેમ તેમ રક્ષો અમારા ઘરમાળા.