મૌનની ભાષા
મૌનની ભાષા
વાયરા સાથે વહેતી વાતો સૌને સંભળાય છે,
ઋષિતુલ્ય વૃક્ષનું મૌન ક્યાં કોઈથી પરખાય છે.
ઝરણાં સાથે પક્ષીઓનો કલરવ સંભળાય છે,
અગન જ્વાળાઓનું મૌન ક્યાં કોઈથી પરખાય છે.
શકુનિના ષડયંત્રમાં પાંડવો ફસાય છે,
ભીષ્મના મૌન સાથે અનીતિ હરખાય છે.
આંધળાના આંધળા એવું દ્રૌપદીથી બોલાય છે,
કુંતાનું મૌન ક્યાં કોઈથી પરખાય છે.
રઘુકુળ રીત ખાતર રામ વનમાં જાય છે,
સીતાનું મૌન ક્યાં કોઈથી પરખાય છે.
'વર્ષા' કલમ થકી મૌન વિષે કવિતા લખાય છે,
પણ મૌનની ભાષા ક્યાં કોઈથી ઉકેલાય છે.
