માસૂમ ને સુંદર કળી
માસૂમ ને સુંદર કળી
રણકાર કરતી દીકરી ! ધબકાર થઈ મુજ ગૃહ વસે,
માસૂમ ને સુંદર કળી ! વરદાન થઈ મુજ ગૃહ વસે,
નિર્દોષતા લખલૂટ લૂંટાવી, જગત નાથે મહીં,
સાક્ષાત એ લક્ષ્મી સમી, અવતાર થઈ મુજ ગૃહ વસે,
કોમળ હૃદય પાપા તણું ! મમતા ઉરે માતા સમી,
ઓજસ અનોખા આંખમાં, શણગાર થઈ મુજ ગૃહ વસે,
રિસાય પળ પળ ને વળી ક્ષણમાં જતી રીઝાય પણ,
પાયલ તણો એ મીઠડો, ખનકાર થઈ મુજ ગૃહ વસે,
કાયમ કહેતી એ કદી પણ ગર્ભમાં ના મારશો,
કોમળ ભલે 'શ્રી' તન છતાં, દમદાર થઈ મુજ ગૃહ વસે.
