મારી જીવનસફર
મારી જીવનસફર
સા'ઠ ને ઝૂલે જ્યારે ઝૂલવાને લાગી ત્યાં,
ગોતવાને ચાલી મારું બાળપણ,
ગોતવાને ચાલી મારું બાળપણ,
માડીની આંગળીએથી, દાદાની વારતાના,
હિંડોળે હિંચતું એ બાળપણ,
રાજા - રાણીની હોય કે હોય આઝાદીની,
કૌતુકથી માણતું એ બાળપણ,
ગોતવાને ચાલી મારું બાળપણ,
માડીજાયાંની સંગે, વાદ- વિવાદમાં,
નિખરતું ચાલ્યું મારું બાળપણ,
ગોરમાને પૂજતું ને ગરબે એ ઘૂમતું,
સખીઓ સંગાથે રમતું બાળપણ,
ગોતવાને લાગી મારું બાળપણ,
મોતીડાં શમણાંનાં પોરવવા લાગ્યું,
શાણું બનતું રે ચાલ્યું બાળપણ,
માર્યા ટકોરા એણે યૌવનને ઉંબરે ને,
ખુમારીથી વધાવ્યું બાળપણ,
મોટું થયું રે મારું બાળપણ,
નાનકડી બાળકીએ ખખડાવ્યો ઝૂલો ને,
આહા ! જડી ગયું રે મારું બાળપણ,
ગોતવા ચાલી'તી હું તો બાળપણ,
જડી ગયું રે મારું બાળપણ.
