મારે ગોતવો છે મોરલીવાળો શ્યામ
મારે ગોતવો છે મોરલીવાળો શ્યામ
અંતરે ઊભર્યા રે ભાવ,
મારે ગોતવો છે મોરલીવાળો શ્યામ,
પકડી મેં ગોકુળ મથુરાની વાટ,
ગલીઓમાં ઘૂમું નીરખવા ઘનશ્યામ,
ઠેરઠેર પૂછતો નંદજીના ઠામ,
નયનો ઢૂંઢતાં ભૂલીને ભાન,
ખીલી શરદ પૂનમની રે રાત
મારે હૈયે છે વિરહનાં ગાન,
આજ મેં તો સાંભળ્યો બંસીનો નાદ
દીઠા દોડતા ગોપાલોને ગાયોની સાથ
ભમું ભાવે વ્રજ વૃન્દાવનની વાટ
થામી દોડું ઓઝલ કાનજીનો હાથ,
કદમ ને કેકારવ કાલિન્દીને કાંઠડે
નયનો મીંચતાં મેં નીરખ્યો રે નાથ
થનગન નાચે છે નટખટ ગોપાલ
દિવ્યાનંદે ઝૂમે મસ્ત કદમની ડાળ,
આંબાડાળે ટહુકે કોયલ ને મોર
નિર્મળ ભક્તિના વરસે રે ધોધ
પનઘટે દીઠા મેં રાધા ને શ્યામ
મોરલીના નાદે ઝૂમતું ધન્ય બ્રહ્માંડ !
‘આકાશદીપ’ ના વરસે રે વ્હાલ
કાનજી હસી હસાવે થઈ ભરથાર
પ્રભાતે ખીલ્યો રે પુનિત પ્રકાશ
ઘટઘટમાં રમી રમાડે કા'નો કિરતાર.
