મા
મા


સદા તારી જ મમતામાં અમી હોય છે મા,
ખુશીથી કેટલા દુ:ખો ખમી હોય છે મા.
કદી ના જાણ થાતી દર્દને ક્યાં છુપાવે,
હંમેશા આંખમાં તારી નમી હોય છે મા.
ક્ષમા આપે સદા સૌને, દયાની મુરત તું,
છબી તારી ખુદાને પણ ગમી હોય છે મા.
દુવા તારી થતાં સંતાપ સર્વે ટળે જો,
વળી વાણી સદા ગીતા સમી હોય છે મા.
સદા વેઠી પરેશાની હસીને રહેતી,
છતા રાખી ખુમારીને ભમી હોય છે મા.
સહજતાથી પચાવી લે નિરાશા સદાયે,
ચહેરા પર હસી તો કાયમી હોય છે મા.
જીવન આખું રસોડામાં વિતાવી જમાડે,
વધેલું હોય બાકી એ જમી હોય છે મા.