લાગશે
લાગશે
મૌન ને હોઠ જો બોલવા લાગશે,
સ્થિર આ આયનો ડોલવા લાગશે.
હું નથી, તું નથી, જાણશે તે પછી,
વાદળાં આભને ખોલવા લાગશે.
રંગ શું, રૂપ શું, ભૂપ ને રંક શું?
કર્મના ત્રાજવે તોલવા લાગશે.
હા કહું, ના કહું, હા અને ના કહું,
જિંદગી ચોતરફ છોલવા લાગશે.
લોભને પોટલે બાંધતા જોઇને,
તે હવે કલ્પને ફોલવા લાગશે.
