કરે કોઈ ભોગવે કોઈ
કરે કોઈ ભોગવે કોઈ
પ્રભુ આપણાં કર્મોને,
કોણ જાણે કેમ તોળે છે.
ખબર નથી પડતી હજુ આપણનેય,
કૃષ્ણની સામે મીરા કેમ વિષ ઘોળે છે.
જુઓને ખૂન કરે છે આ હાથ,
પણ ફાંસી ગળાને મળે છે.
કડવું બોલે છે આ જીભ,
પણ તમાચો ગાલને મળે છે.
કષ્ટો સહે છે આ છાતી,
પણ શાબાશી પીઠને મળે છે.
પાપ કરે છે તો પાપી,
પણ સજા નિર્દોષને મળે છે.
કર્મના બંધન કડવા છે,
સંતો વારંવાર વાગોળે છે.
માણસ એ બંધનમાંથી છૂટવા,
મંદિરના દ્વાર ફંફોળે છે.
પ્રભુને વ્હાલા થવા ભક્તો,
કંકુથી કાયમ રંઘોળે છે.
દાન કરી પુણ્ય કમાવા,
ખોટા નકાબ પહેરે છે.
નથી મળતી મુક્તિ જ્યારે,
અંતે બિચારો આંખ ચોળે છે.
'શુક' કહે આ દુનિયામાં,
કર્મની ગતિ ન્યારી છે.
કરે કોઈ અને ભોગવે કોઈ,
એ જ સમયની બલિહારી છે.
