કરામત
કરામત
થપ્પો કરે પ્હોં ફાટતા જ રવિ, સંધ્યાએ છૂપાઈ જાય !
અંધારે રમે ચાંદો ને તારા, આભે અજવાળું થાય !
કુશળ રંગરેજ છે મારો ઈશ્વર, પ્રકૃતિને રંગી અનેરી !
મેઘધનુષની રંગોળી પૂરી, નભમંડળ ઉજવે દિવાળી !
ઝાડ લીલાં, લીલાં ખેતર, ફળ-અનાજ કેવાં અનોખા !
છોડ પર ઊગે ફૂલો સુંદર, રંગ ને મહેંક કેવાં અનોખા !
રાત-દિવસ, ઋતુઓ ત્રણ, અદ્ભૂત આપે સંવેદના !
ખારો દરિયો, મીઠી નદી, જળ બેઉનાં અનોખા !
પૂનમે ભરતી, અમાસે ઑટ, ઈશ્વરનો અનોખો અજુબો !
આભલે જડ્યાં નવલખ તારા, ગ્રહો, નક્ષત્રોનો ચંદરવો !
ના પામી શકું પ્રભુ તારી કરામત ! તું કેવો કુશળ કારીગર !
શૃંગારભરી સૃષ્ટિ સજાવી, કલ્પના સર્જનહારની અકળ !
ઊંચા પહાડો, ઊંડી ખીણો, સુગંધ પવિત્રતાની માટીમાં,
દસે દિશા દીસે રંગીન, જાણે છાંટી પિચકારી બ્રહ્માંડમાં !
વરસે જળ, તૃપ્ત ધરા આખી, જીવમાત્ર થાય તૃપ્ત !
ઊગે ધાન, ધરાય જીવ, અસીમ કુબેરભંડાર અખૂટ !
